તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્રની (ટ્રેકિયોસ્ટોમી) સંભાળ

વાંચવાનો સમય: વિશે 7 મિનિટો

આ માહિતી તમને તમારા ટ્રેકિયોસ્ટોમીની સંભાળ રાખવામાં મદદ કરશે.

તમારી શ્વાસનળી વિશે

તમારી શ્વાસનળી (ટ્રેકિયા) તમારા શ્વસનતંત્રનો એક ભાગ છે. તે લગભગ 4½ ઇંચ (11 સેન્ટીમીટર) લાંબી હોય છે અને તમારા ગળાના આગળના ભાગમાં આવેલી હોય છે (ચિત્ર 1 જુઓ). એ તમારી સ્વરપેટીથી (લેરિંક્સ) તમારા ફેફસાં સુધી જાય છે.

ચિત્ર 1. ટ્રેકિયોસ્ટોમી ટ્યુબની જગ્યા
ચિત્ર 1. ટ્રેકિયોસ્ટોમી ટ્યુબની જગ્યા

જ્યારે તમે શ્વાસ લો છો, ત્યારે હવા તમારા નાક અથવા મોંમાંથી તમારી સ્વરપેટીમાં (લેરિંક્સ) જાય છે, પછી શ્વાસનળીમાંથી પસાર થઈને તમારા ફેફસાં સુધી પહોંચે છે. આ માર્ગને શ્વસન માર્ગ કહેવામાં આવે છે.

તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) વિશે

ટ્રેકિયોસ્ટોમી એ તમારી શ્વાસનળીમાં સર્જરી દ્વારા બનાવવામાં આવેલું છિદ્ર છે. એનાથી શ્વાસ લેવો સરળ થઈ જાય છે અને તમારા શ્વસન માર્ગને કોઈપણ પ્રકારના અવરોધથી બચાવે છે. તમારે ટ્રેકિઓસ્ટોમીની જરૂર પડી શકે છે જો:

  • ગાંઠ તમારા શ્વાસનળીના માર્ગને રોકી રહી છે અથવા એને સાંકડો કરી રહી છે.
  • ગડફો (કફ) તમારા શ્વાસનળીના માર્ગને રોકી રહ્યો છે અથવા એને સાંકડો કરી રહ્યો છે.
  • આ સર્જરીના કારણે સોજો આવી શકે છે, જે તમારા શ્વાસનળીના માર્ગને રોકી શકે છે અથવા એને સાંકડો કરી શકે છે.

તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) કામચલાઉ અથવા કાયમી હોઈ શકે છે. તમારા ડૉક્ટર તમારી સાથે વાત કરશે કે તમારે કેટલા સમય સુધી આની જરૂર પડશે.

તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્રની (ટ્રેકિયોસ્ટોમી) નળી વિશે

ટ્રેકિયોસ્ટોમી નળી એ એક પોલી નળી છે, જે ટ્રેકિયોસ્ટોમીમાં મૂકવામાં આવે છે જેથી તે બંધ ન થઈ જાય. એકવાર તમારી ટ્રેકિયોસ્ટોમી થઈ જાય, પછી તમારે હંમેશાં ટ્રેકિયોસ્ટોમી નળી પહેરી રાખવાની જરૂર પડશે.

ટ્રેકિયોસ્ટોમી નળીના 3 ભાગો હોય છે ( ચિત્ર 2 જુઓ):

  • બહારની નળી હંમેશાં તેની જગ્યાએ રહે છે. એ તમારા ટ્રેકિયોસ્ટોમીને બંધ થતાં અટકાવે છે. બહારની નળીને ત્યાથી કાઢશો નહિ. ફક્ત તમારા ડૉક્ટર અથવા નર્સ તેને કાઢશે.
  • અંદરની નળી જેને અંદર-બહાર ખસેળી શકાય છે. તમારે દિવસમાં બે વખત અંદરની નળીને બદલવી પડશે. આમ કરવાથી નળીની અંદર ગડફો (કફ) અને અન્ય સ્રાવ જમા થતા નથી અને તમારો શ્વાસનો માર્ગ બંધ થતો નથી. અંદરની નળીને થોડી મિનિટોથી વધારે સમય બહાર ન રાખો. જ્યારે તમે તેને બદલી રહ્યા હોવ એ સિવાયના સમયે તેને તેની જગ્યાએ જ રાખો.
  • ટ્રેકિયોસ્ટોમી ટાઈ જે તમારી ગરદનની ફરતે વીંટળાય છે અને બહારની નળી સાથે જોડાય છે. આ તમારી ટ્રેકિયોસ્ટોમી નળીને તેની જગ્યાએ ટકાવી રાખે છે.
ચિત્ર 2. અંદરની અને બહારની નળીઓ
ચિત્ર 2. અંદરની અને બહારની નળીઓ

શ્વાસનળીમાં કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) બનાવ્યા પછી વાતચીત કેવી રીતે કરવી?

ટ્રેકિયોસ્ટોમી હોય તે દરમિયાન, તમે સામાન્ય રીતે બોલી શકશો નહીં. ઘણા લોકો પોતાની ટ્રેકિયોસ્ટોમી નળીના મુખને આંગળીથી ઢાંકીને બોલી શકે છે. તમારા નર્સ તમને આ કેવી રીતે કરવું તે શીખવશે. તેઓ તમને વાતચીત કરવા માટે પેન અને કાગળ પણ આપશે.

શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) હોય તે દરમિયાન હંમેશાં તમારી શ્વાસનળીના માર્ગનું રક્ષણ કરો.

  • પાણીમાં આખા શરીરને ડૂબાડવાનું ટાળો (જેમ કે બાથટબ અથવા સ્વિમિંગ પૂલમાં).
  • જ્યાં સુધી તમારી ટ્રેકિયોસ્ટોમી નળી તેની જગ્યાએ હોય, ત્યાં સુધી પાણીમાં તરવાનું ટાળો. નળી કાઢી લીધા પછી પણ, જ્યાં સુધી તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) સંપૂર્ણપણે બંધ ન થઈ જાય ત્યાં સુધી પાણીમાં તરવાનું ટાળો.
  • જ્યારે તમે સ્નાન કરો, ત્યારે પાણીના છાંટા તમારી ટ્રેકિયોસ્ટોમી પર ન પડે તેનું ધ્યાન રાખો. પાણીનો પ્રવાહ એવી રીતે રાખો કે તે તમારી ગરદનની નીચે પડે. પાણીને પીઠ તરફ રેડો અથવા તમારા નર્સે આપેલી શાવર શીલ્ડનો ઉપયોગ કરો.

ટ્રેકિયોસ્ટોમી હોય, ત્યારે ખાસ કરીને રાતના સમયે હવામાં ભેજ જાળવી રાખતા મશીનનો (હ્યુમિડિફાયર) ઉપયોગ કરવો ખુબ જ જરૂરી છે. આ તમારા સ્ત્રાવને પાતળા રાખવામાં મદદ કરશે જેથી તે તમારી ટ્રેકિયોસ્ટોમી નળીમાં જામી ન જાય.

તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્રની (ટ્રેકિયોસ્ટોમી) સંભાળ

જ્યારે તમે હોસ્પિટલમાં હોવ, ત્યારે તમારા નર્સ તમને તમારી ટ્રેકિયોસ્ટોમીની સંભાળ કેવી રીતે રાખવી તે શીખવશે. તમે નીચેની બાબતો કેવી રીતે કરવી તે શીખશો:

  • તમારી ટ્રેકિયોસ્ટોમી નળીમાંથી સક્શન દ્વારા સ્રાવ કાઢી નાખો. આ તમારા શ્વાસનળીના માર્ગમાંથી સ્ત્રાવને સાફ કરે છે જેથી શ્વાસ લેવાનું સરળ બને.
  • સક્શન કેથેટરને સાફ કરો. આ ચેપ અટકાવવામાં મદદ કરે છે.
  • અંદરની નળી બદલો. આ સ્ત્રાવને તેના માર્ગમાં આવતા અવરોધને અટકાવે છે.
  • તમારી ટ્રેકિયોસ્ટોમીની આસપાસની ત્વચાને સાફ કરો. આ તેને ત્વચાના બળતરાથી બચાવે છે.
  • શ્વાસમાં લવાતી હવાને ભેજવાળી રાખો. આ તમારા સ્ત્રાવને પાતળા કરવામાં મદદ કરે છે જેથી તેને બહાર કાઢવું સરળ બને.

જો તમને ટ્રેકિયોસ્ટોમી સાથે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે, તો તમારે ઘરે તેની સંભાળ રાખવી પડશે. તમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવે તે પહેલાં જ તમને જરૂરી બધી સામગ્રી મળી જશે. મદદ માટે તમારા ઘરે કદાચ નર્સ આવી શકે. તમારી તબીયતની સંભાળ રાખતી ટીમ તમારી સાથે મળીને આ બધી બાબતોની ગોઠવણ કરશે.

ટ્રેકિયોસ્ટોમીની સંભાળ કેવી રીતે રાખવી તે યાદ રાખવા, તમે નીચેની સૂચનાઓનો ઉપયોગ કરી શકો.

ટ્રેકિયોસ્ટોમી નળીમાંથી સક્શન કેવી રીતે કરવું

આ કેટલી વાર કરવું તે તમારા નર્સ તમને જણાવશે.

  1. તમારી વસ્તુઓ ભેગી કરો. તમને નીચેની વસ્તુઓની જરૂર પડશે:
    • પ્લાસ્ટિકની નળી સાથેનું કફ અને સ્રાવ બહાર કાઢવાનું (સક્શન) મશીન
    • કફ અને સ્રાવ બહાર કાઢવાની નળી (સક્શન કેથેટર)
    • એક અરીસો
    • પાણીથી ભરેલો એક વાટકો અથવા મોટો કપ
    • 2 થી 4 સૂકા કાપડના ટુકડા (ગોઝ પેડ)
    • એક સ્વચ્છ સૂકું કપડું અથવા કાગળનો રુમાલ
    તમે દીવાલ પર ટીંગાડી શકાય તેવા અથવા ટેબલ પર મૂકી શકાય તેવા અરીસાનો ઉપયોગ કરી શકો છો.
  2. સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરથી તમારા હાથ સારી રીતે સાફ કરો.
  3. સક્શન કેથેટરને સક્શન મશીનની પ્લાસ્ટિકની નળી સાથે જોડો.
  4. અરીસાને એવી રીતે ગોઠવો જેથી તમે તમારી ટ્રેકિયોસ્ટોમી નળીનું મોં જોઈ શકો.
  5. સક્શન મશીન ચાલુ કરો. (જો તમે હોસ્પિટલમાં હો, તો તેના બદલે સક્શન નળી પરની ક્લીપ ખોલો.)
  6. સક્શનને રોકવા માટે કેથેટરને તમારા અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે દબાવી રાખો.
  7. સ્રાવ બહાર લાવવા માટે ઊંડી ઉધરસ ખાવ.
  8. સક્શન કેથેટરને દબાવી રાખો. તેને તમારી ટ્રેકિયોસ્ટોમી નળીમાં લગભગ 3 થી 5 ઇંચ (8 થી 13 સેન્ટીમીટર) અંદર મૂકો.
  9. સક્શન શરૂ કરવા માટે સક્શન કેથેટર પરની પકડ છોડી દો. સક્શન કેથેટરને તમારી શ્વાસનળીમાં 10 સેકન્ડથી વધુ સમય સુધી રાખશો નહીં. એને વધુ સમય સુધી અંદર રાખવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
  10. ગોળ ફેરવતાં ફેરવતાં, સક્શન કેથેટરને તમારી ટ્રેકિયોસ્ટોમીમાંથી ધીમે ધીમે બહાર ખેંચી લો. કેથેટરને ગોળ ફેરવવાથી તમારી શ્વાસનળી અને ટ્રેકિયોસ્ટોમી નળીની ચારેય બાજુથી સ્ત્રાવ બહાર ખેંચવામાં મદદ મળશે.
  11. સૂકા રૂ કે કાપડનો ટુકડા વડે સક્શન કેથેટરની બહારથી સ્ત્રાવને લૂછી લો.
  12. સક્શન કેથેટરની અંદર નળીમાં જમા થયેલા કફને સાફ કરવા માટે તેમાંથી પાણી ખેંચીને સાફ કરો.

જો તમને લાગે કે હજુ વધુ સ્રાવ સાફ કરવાની જરૂર છે, તો આ પગલાં ફરીથી કરો. જો તમારે 2 અથવા 3 વખતથી વધુ સક્શન કરવું પડે, તો ફરી શરૂ કરતા પહેલાં થોડી મિનિટો આરામ કરો.

એકવાર તમે પૂરું કરી લો પછી:

  1. ખાતરી કરો કે સક્શન કેથેટર અને પ્લાસ્ટિકની નળી સ્વચ્છ છે. જો જરૂરી હોય, તો એને બહારથી ધોઈને સાફ કરો અને અંદરની બાજુ સાફ કરવા માટે તેમાંથી પાણીનું સક્શન કરો.
  2. સક્શન મશીનની પ્લાસ્ટિક નળીમાંથી સક્શન કેથેટરને અલગ કરો.
  3. સક્શન કેથેટરને સૂકા કપડા અથવા કાગળના રુમાલ પર મૂકો.
  4. જો તમે ઘરે હો, તો સક્શન મશીનની અંદર જમા થયેલા સ્રાવને ટોઇલેટમાં ખાલી કરો. એને સિંકમાં ખાલી કરશો નહીં. એનાથી ડ્રેનેજ બંધ થઈ શકે છે. જો તમે હોસ્પિટલમાં હો, તો હોસ્પિટલનો એક સ્ટાફ તમારા માટે આ કરશે.

જ્યારે તમે ઘરે હો, ત્યારે સક્શન કેથેટર અઠવાડિયામાં એકવાર બદલો અથવા જો તે ગંદું થઈ જાય અથવા બંધ થઈ જાય, તો એને વહેલી તકે બદલી નાખો. જો તમે હોસ્પિટલમાં હોવ, તો દરેક વખતે નવા સક્શન કેથેટરનો જ ઉપયોગ કરો.

જરૂરિયાત મુજબ સક્શન મશીનના કન્ટેનરને સાબુ અને પાણીથી સાફ કરો.

અંદરની નળી કેવી રીતે બદલવી અને શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્રની (ટ્રેકિયોસ્ટોમી) આસપાસની ત્વચા કેવી રીતે સાફ કરવી

તમારી અંદરની નળીને નિયમિત રીતે કાઢીને તેની તપાસ કરો, દિવસમાં ઓછામાં ઓછા 3 વખત એમ કરો. તેને દિવસમાં 2 વખત બદલો: એક વખત સવારે અને એક વખત રાત્રે. જો તમને અંદર કફ જમા થતો દેખાય, તો એને વહેલી તકે બદલી નાખો.

દિવસમાં 2થી વધુ વખત તમારી અંદરની નળીને બદલવાનું ટાળો. જો તમે આમ કરશો, તો તમારી પાસે નળી ખૂટી શકે છે. જો તમારે નિયમિતપણે દિવસમાં 2 વખતથી વધુ વખત તમારી અંદરની નળીને બદલવાની જરૂર પડતી હોય, તો તમારી સંભાળ રાખતી ટીમને ફોન કરીને જણાવો.

  1. તમારી વસ્તુઓ ભેગી કરો. તમને નીચેની વસ્તુઓની જરૂર પડશે:
    • એક નવી અંદરની નળી
    • 4 થી 6 રૂ વાળી સળીઓ (જરૂરિયાત મુજબ)
    • એક અરીસો
    તમે દીવાલ પર ટીંગાડી શકાય તેવા અથવા ટેબલ પર મૂકી શકાય તેવા અરીસાનો ઉપયોગ કરી શકો.
  2. સાબુ અને પાણીથી અથવા આલ્કોહોલ-આધારિત હેન્ડ સેનિટાઇઝરથી તમારા હાથ સારી રીતે સાફ કરો.
  3. અરીસાની સામે ઊભા રહો અથવા બેસો.
  4. એક હાથથી બહારની નળીને પકડી રાખો. તમારા બીજા હાથ વડે અંદરની નળી પરના દબાવી શકાય એવા ભાગને (પિંચ ટેબ) હળવેથી દબાવીને લોક ખોલો.
  5. અંદરની નળીને બહાર ખેંચીને ( ચિત્ર ૩ જુઓ) ફેંકી દો. અંદરની નળીને તમારી ટ્રેકિયોસ્ટોમી નળીમાંથી થોડી મિનિટોથી વધુ સમય માટે બહાર ન રાખશો.
    ચિત્ર 3. અંદરની નળીને બહાર ખેચવાની રીત
    ચિત્ર 3. અંદરની નળીને બહાર ખેચવાની રીત
  6. નવી અંદરની નળી લો. હળવેથી દબાવી શકાય એવા ભાગને (પિંચ ટેબ) દબાવો અને એને બહારની નળીમાં દાખલ કરો. હળવેથી દબાવેલી પિંચ ટેબને ત્યારે છોડો જ્યારે તે કનેક્ટરની બંને બાજુએ પર સુરક્ષિત રીતે લોક થઈ જાય.
  7. ભીની કરેલ રૂ વાળી સળીઓ વડે (કોટન સ્વાબ) તમારી ટ્રેકિયોસ્ટોમી નળીની આસપાસની ત્વચાને હળવેથી સાફ કરો.

જો તમારે લાંબા સમય સુધી ટ્રેકિયોસ્ટોમી રાખવાની હશે, તો તમારા ડૉક્ટર તમારી હોસ્પિટલ કે દવાખાનાની મુલાકાત દરમિયાન તમારી આખી ટ્રેકિયોસ્ટોમી નળી (અંદરની નળી, બહારની નળી અને ટ્રેકિયોસ્ટોમી ટાઇ જે ગરદનની ફરતે વીંટળાય) બદલી આપશે. તમારી ટ્રેકિયોસ્ટોમી નળીની બહારની નળીને તમારી જાતે બહાર ન કાઢો. તમે કદાચ એને પાછી તમારી શ્વાસનળીમાં મૂકી શકીશો નહીં. જ્યાં સુધી તમારા ડોક્ટર તમને એમ કરવાની સલાહ ન આપે કે તે સુરક્ષિત છે, ત્યાં સુધી તમારી ટ્રેકિયોસ્ટોમી ટાઇ બદલશો નહીં.

શ્વાસ લેવાતી હવાનો ભેજ જાળવવા માટેની રીતો

શ્વાસ લેવાતી હવાનો ભેજ જાળવી રાખવા માટે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરો. જો તમને વધુ ભેજની જરૂર હોય, તો તમે તમારી ટ્રેકિયોસ્ટોમી નળીની સામે ભીના રૂના કાપડનો ટુકડો મૂકી શકો. એ તમે શ્વાસ લો છો તે હવાને ફિલ્ટર કરવા, ભેજવાળી રાખવા અને હૂંફાળી બનાવવામાં મદદ કરશે.

  1. તમારી વસ્તુઓ ભેગી કરો. તમને નીચેની વસ્તુઓની જરૂર પડશે:
    • 1 (4-ઇંચ x 4-ઇંચ) જાળીદાર (ગૌઝ) કપડું
    • તમારી ગરદનની ફરતે વીંટાળી શકાય તેટલી લાંબી દોરી
    • કાતર
  2. તમારા હાથ સાબુ અને પાણીથી ધોઈ લો અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.
  3. અરીસા સાથેના સિંકની સામે ઊભા રહો અથવા બેસો.
  4. ગૌઝને પાણીથી ભીનું કરો. તમારી ગરદનની ફરતે સહેલાઈથી વીંટાળી શકાય તેટલી લાંબી દોરીનો ટુકડો કાપો.
  5. ગૌઝને ખોલો અને તેને દોરી પર પાથરી દો. ગૌઝને ટ્રેકિયોસ્ટોમી નળીના ખુલ્લા ભાગની સામે રાખો (ચિત્ર 4 જુઓ). એને એની જગ્યાએ રાખવા માટે દોરીને તમારી ગરદનની પાછળ ગાંઠ વાળીને બાંધી દો.
    ચિત્ર 4. ટ્રેકિયોસ્ટોમી નળીના ખુલ્લા ભાગ પર મૂકેલું ભીનું જાળીદાર કપડું (ગૌઝ)
    ચિત્ર 4. ટ્રેકિયોસ્ટોમી નળીના ખુલ્લા ભાગ પર મૂકેલું ભીનું જાળીદાર કપડું (ગૌઝ)
  6. ગૌઝ સુકાઈ ન જાય ત્યાં સુધી તેને તેની જગ્યાએ જ રહેવા દો. એકવાર તે સુકાઈ જાય પછી, તેને ફેંકી દો. એને બદલવા માટે ઉપર આપેલા પગલાંઓ ફરીથી કરો.

તમારી ટ્રેકિયોસ્ટોમી નળી કાઢવી

જ્યારે તમને ટ્રેકિયોસ્ટોમી નળીની જરૂર નહીં રહે, ત્યારે તમારા ડૉક્ટર તેને કાઢી લેશે. જ્યારે તેને બહાર કાઢવામાં આવશે ત્યારે તમને જરાય દુખાવો નહીં થાય. તમારે સર્જરી કરાવવાની જરૂર નહીં પડે, અને તે ખુલ્લો ભાગ પોતાની મેળે જ બંધ થઈ જશે. તમારે ટાંકા લેવાની જરૂર નહીં પડે.

તમારી ટ્રેકિયોસ્ટોમી નળી કાઢી નાખવામાં આવે તે પહેલાં, તમારી અંદરની નળી પર એક કેપ લગાવવામાં આવશે. આ કેપ તમારી ટ્રેકિયોસ્ટોમીને બંધ કરી દેશે જેથી તમે સામાન્ય રીતે શ્વાસ લઈ શકો. કેપને ઓછામાં ઓછા 24 કલાક માટે તે તેની જગ્યાએ જ રાખો. જો તમે કેપ લગાવેલી હોવા છતાં સામાન્ય રીતે શ્વાસ લઈ શકો છો, તો તમારા ડૉક્ટર તમારી ટ્રેકિયોસ્ટોમી નળી દૂર કરશે અને તમારી ટ્રેકિયોસ્ટોમી વાળી જગ્યા પર પટ્ટી બાંધી દેશે.

  • તમારી ટ્રેકિયોસ્ટોમી સંપૂર્ણપણે બંધ ન થઈ જાય ત્યાં સુધી તેની પર ડ્રેસિંગ (પટ્ટી) લગાડી રાખો. એ ક્યારે કરવામાં આવશે તે તમારા ડૉક્ટર તમને જણાવશે. એ માટે સામાન્ય રીતે 1 થી 2 અઠવાડિયા લાગે છે.
  • ડ્રેસિંગને દિવસમાં બે વાર અથવા જો એ ગંદુ થાય તો એનાથી વધુ વાર બદલો. જ્યારે પણ તમે ડ્રેસિંગ બદલો ત્યારે દરેક વખતે નીચેની ત્વચાને ભીના જાળી વાળા રૂના કપડાં (ગૌઝ) ટુકડા વડે સાફ કરો.
  • જ્યારે તમે ઉધરસ ખાઓ કે બોલો ત્યારે ડ્રેસિંગ પર તમારી આંગળી રાખો. એ તમારી ટ્રેકિયોસ્ટોમીને બંધ થવામાં મદદ કરશે.

અગત્યના મુદ્દાઓ

  • જો તમને શ્વાસ લેવામાં તકલીફ થાય, તો અંદરની નળી તરત જ બહાર કાઢી લો. જો શ્વાસ લેવાનું સરળ થઈ જાય, તો તેનો અર્થ એ કે અંદરની નળી કદાચ ચોંટી ગઈ હતી. અંદરની નળી તપાસો અને જો જરૂર જણાય તો તેને બદલી નાખો. જો શ્વાસ લેવામાં સુધારો ન થાય, તો તરત જ 911 પર કૉલ કરો અથવા નજીકના ઇમરજન્સી રૂમમાં જાઓ.
  • જો તમારી આખી ટ્રેકિયોસ્ટોમી નળી ભૂલથી બહાર નીકળી જાય, તો ગભરાશો નહીં. તમારી શ્વાસનળીમાં બનાવેલ કૃત્રિમ છિદ્ર (ટ્રેકિયોસ્ટોમી) ઘણા કલાકોથી લઈને થોડા દિવસો સુધી ખુલ્લું રહેશે. નળીને ફરીથી એની જગ્યા પર મુકાવવા, તરત જ 911 પર કૉલ કરો અથવા નજીકના ઇમરજન્સી રૂમમાં જાઓ.
છેલ્લે અપડેટ કર્યા તારીખ
May 6, 2021

Learn about our Health Information Policy.

તમારા વિચારો અમને જણાવો.

તમારા વિચારો અમને જણાવો.

તમારો પ્રતિસાદ અમને અમે પ્રદાન કરતી શૈક્ષણિક માહિતીમાં સુધારો કરવામાં મદદ કરશે. તમારી સંભાળ ટીમ તમે આ પ્રતિસાદ ફોર્મમાં શું લખો છો તે જોઈ શકશે નહીં. કૃપા કરીને તમારી સારવાર વિશે પૂછવા માટે તેનો ઉપયોગ ન કરો. જો તમને તમારી સારવાર વિશે પ્રશ્નો હોય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો.

અમે તમામ પ્રતિસાદ વાંચીએ છીએ, પરંતુ અમે કોઈપણ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. કૃપા કરીને આ પ્રતિસાદ ફોર્મમાં તમારું નામ અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી લખશો નહીં.

શું આ માહિતી સમજવામાં સરળ હતી?
કૃપા કરીને તમારું નામ અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી લખશો નહીં.