તમારા જેક્સન-પ્રેટ ડ્રેનની સંભાળ

વાંચવાનો સમય: વિશે 8 મિનિટો

આ માહિતી તમે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થાઓ ત્યારે તમારા જેક્સન-પ્રેટ ડ્રેઇનની સંભાળ કેવી રીતે રાખવી તે સમજાવે છે. તમને નીચેનો વિડિયો જોવાથી પણ મદદ મળી શકે છે.

તમારા જેક્સન-પ્રેટ ડ્રેઇન વિશે

આકૃતિ 1. જેક્સન-પ્રેટ ડ્રેઇન
આકૃતિ 1. જેક્સન-પ્રેટ ડ્રેઇન

તમારા જેક્સન-પ્રેટ ડ્રેનમાં સ્ટોપર ધરાવતું નરમ પ્લાસ્ટિકનું બલ્બ અને તેની સાથે જોડાયેલી લવચીક ટ્યુબ હોય છે (આકૃતિ 1 જુઓ). ટ્યુબનો ડ્રેનેજવાળો છેડો (સફેદ સપાટ ભાગ) તમારી ઇન્સર્શન સાઇટ દ્વારા તમારા સર્જિકલ સાઇટમાં જાય છે. ઇન્સર્શન સાઇટ એ તમારા ચીરાની નજીક આવેલું એક નાનું છિદ્ર છે.

એક ટાંકો (સ્યૂચર) ડ્રેનેજના છેડાને તેની જગ્યાએ જકડી રાખે છે. બાકીની ટ્યુબ તમારા શરીરની બહાર નીકળે છે અને બલ્બ સાથે જોડાયેલી હોય છે.

જ્યારે સ્ટોપર લગાવીને બલ્બને દબાવવામાં (સ્ક્વીઝ કરવામાં) આવે છે, ત્યારે તે સતત હળવું ખેંચાણ (સક્શન) ઊભું કરે છે. બલ્બ હંમેશા દબાવેલી સ્થિતિમાં રહેવો જોઈએ, સિવાય કે જ્યારે તમે ડ્રેનેજ ખાલી કરી રહ્યા હોવ.

દરેક વ્યક્તિનું ડ્રેનેજ અલગ-અલગ હોય છે. કેટલાક લોકોને વધુ ડ્રેનેજ થાય છે, જ્યારે કેટલાકને ઓછું ડ્રેનેજ થાય છે. આ સંસાધનના અંતે આપેલા ડ્રેનેજ લોગમાં તમારા ડ્રેનેજનું પ્રમાણ નોંધો. તમારા ફોલો-અપ એપોઇન્ટમેન્ટ્સ વખતે તમારો લોગ સાથે લાવવો.

તમારે જેક્સન-પ્રેટ ડ્રેઇન કેટલો સમય રાખવો પડશે તે તમારી સર્જરી અને તમારા ડ્રેનેજના પ્રમાણ પર આધાર રાખે છે. જો તમારું ડ્રેનેજ 24 કલાકના સમયગાળામાં 30 મિલીલીટર (mL) કે તેથી ઓછું હોય, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાને કોલ કરો. તમારા સર્જન અમુક ચોક્કસ પ્રક્રિયાઓ માટે તમારું જેક્સન-પ્રેટ ડ્રેઇન કાઢી શકે છે અથવા તેને વધુ સમય માટે રાખી પણ શકે છે

જેક્સન-પ્રેટ ડ્રેઇનની સંભાળ કેવી રીતે રાખવી

જ્યારે તમે હોસ્પિટલમાંથી રજા લો, ત્યારે તમારા જેક્સન-પ્રેટ ડ્રેઇનની સંભાળ આ રીતે રાખો:

  • ગંઠાયેલા પ્રવાહીને આગળ ધપાવવામાં મદદ કરવા માટે તમારી ટ્યુબને હળવેથી દબાવીને આગળ સરકાવવી.
  • તમારો ડ્રેન દિવસમાં 2 વખત ખાલી કરો. આવું દિવસમાં એકવાર સવારે અને એકવાર સાંજે કરો. આ સંસાધનના અંતે આપેલા જેક્સન-પ્રેટ ડ્રેનેજ લોગમાં ડ્રેનેજની માત્રા નોંધો. જો તમારી પાસે એક કરતાં વધુ ડ્રેન હોય, તો દરેક ડ્રેનમાંથી નીકળેલા ડ્રેનેજની માત્રા અલગ-અલગ માપો અને નોંધો. તેમને એકસાથે ઉમેરીને નોંધશો નહીં.
  • તમારી ઇન્સર્શન સાઇટની (ડ્રેન નાખેલી જગ્યા) સંભાળ.
  • સમસ્યાઓ માટે તપાસ કરવી.

તમારી ટ્યુબને હળવેથી દબાવીને આગળ સરકાવો.

આ પગલાં તમારી ટ્યુબમાં બનેલા ગંઠાયેલા પ્રવાહીને આગળ ધપાવવામાં અને ડ્રેનેજનો પ્રવાહ ચાલુ રાખવામાં મદદ કરશે. ડ્રેનેજ ખાલી કરવા અને તેની માત્રા માપવા માટે સ્ટોપર ખોલતા પહેલાં તમારી ટ્યુબને હળવેથી દબાવીને આગળ સરકાવો. જો તમને તમારી ઇન્સર્શન સાઇટની આસપાસ પ્રવાહી લીક થતું દેખાય, તો પણ આ પ્રક્રિયા કરો.

શરૂઆત કરતા પહેલાં, જરૂરી સામગ્રી એકત્ર કરો. તમને નીચેની વસ્તુઓની જરૂર પડશે:

  • તમારા નર્સે તમને આપેલું માપન પાત્ર.
  • આલ્કોહોલ પેડ.
  • તમારો જેક્સન-પ્રેટ ડ્રેનેજ લોગ અને એક પેન અથવા પેન્સિલ.
  1. તમારા હાથ સાફ કરો.
    • જો તમે સાબુ અને પાણીથી તમારા હાથ ધોઈ રહ્યા છો, તો તમારા હાથ ભીના કરો અને તેના પર સાબુ લગાવો. તમારા હાથને 20 સેકન્ડ માટે એકસાથે ઘસો, પછી સાબુ ધોઈ નાખો. તમારા હાથને નિકાલજોગ ટુવાલ વડે સૂકવો. તે જ ટુવાલનો ઉપયોગ નળ બંધ કરવા માટે કરો.
    • જો તમે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા હો, તો તે તમારા બંને હાથ પર સારી રીતે લગાવો. ત્યારબાદ તમારા હાથ સૂકા થઈ જાય ત્યાં સુધી તેમને એકબીજા સાથે ઘસો.
  2. અરીસામાં તમારી ડ્રેનની ટ્યુબને જુઓ. આ તમને તમારા હાથ ક્યાં રાખવાના છે તે જોવા માટે મદદ કરશે.
  3. તમારા અંગૂઠા અને તર્જની વડે ટ્યુબને જ્યાં તે તમારી ત્વચામાં દાખલ થાય છે તેની નજીકથી પકડીને દબાવો. ટ્યુબ પર તમારી આંગળીઓ સરળતાથી નીચે સરકાવવા માટે તમે આલ્કોહોલ વાઇપ્સનો ઉપયોગ કરી શકો છો. ટ્યુબને હળવેથી દબાવીને આગળ સરકાવવાની પ્રક્રિયા દરમિયાન આ હાથને એ જ જગ્યાએ રાખો. આ હાથને એ જ જગ્યાએ રાખવાથી તમારી ત્વચા પર ખેંચાણ નહીં પડે, જેનાથી દુખાવો થઈ શકે છે.
  4. તમારા બીજા હાથના અંગૂઠા અને તર્જની વડે, તમારા પહેલા હાથની આંગળીઓની બરાબર નીચે ટ્યુબને દબાવીને પકડો. તમારી આંગળીઓથી ટ્યુબને દબાવી રાખીને, તેને ટ્યુબની નીચેની તરફ ધીમે-ધીમે સરકાવો. ટ્યુબમાં બનેલા કોઈપણ ગંઠાયેલા પ્રવાહીને બલ્બ તરફ ધીમે-ધીમે આગળ ધપાવો.

ટ્યુબમાંના ગંઠાયેલા પ્રવાહીને બલ્બ સુધી પહોંચાડવા માટે જરૂર પડે તેટલી વખત પગલાં 3 અને 4નું પુનરાવર્તન કરો. જો તમે ટ્યુબમાંનો ગંઠાયેલો પ્રવાહી બલ્બ સુધી પહોંચાડી શકતા ન હો અને બલ્બમાં બહુ ઓછું અથવા બિલકુલ ડ્રેનેજ ન થતું હોય, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાને સંપર્ક કરો.

તમારો જેક્સન-પ્રેટ ડ્રેન ખાલી કરો.

બધા ગંઠાયેલા પ્રવાહી બલ્બમાં પહોંચી જાય પછી, બલ્બ ખાલી કરવા માટે તૈયાર થાઓ. ખાતરી કરો કે તમારી પાસે કામ કરવા માટે સ્વચ્છ જગ્યા છે. તમે આ તમારા બાથરૂમમાં અથવા સૂકી અને અવ્યવસ્થિત ન હોય તેવી સપાટી ધરાવતી જગ્યાએ કરી શકો છો.

જો તમે સર્જિકલ બ્રા અથવા રૅપ પહેર્યા હો, તો ડ્રેનેજ બલ્બ તેની સાથે જોડાયેલો હોય તો પહેલાં તેને અલગ કરો.

તમારો જેક્સન-પ્રેટ ડ્રેન ખાલી કરવા માટે નીચેની સૂચનાઓનું પાલન કરો:

  1. બલ્બની ઉપરનો સ્ટોપર ખોલો. આ કરવાથી બલ્બ ફરી ફૂલશે. સ્ટોપરની અંદરની બાજુ અથવા બલ્બના ખુલ્લા ભાગની અંદરની સપાટીને સ્પર્શ કરશો નહીં.
  2. બલ્બને ઊંધો કરો અને તેને હળવેથી દબાવો. ડ્રેનેજને માપવાના વાસણમાં રેડો (આકૃતિ 2 જુઓ).
બલ્બ ખાલી કરવો
આકૃતિ 2. બલ્બ ખાલી કરવો
  1. બલ્બને ફરી સીધી સ્થિતિમાં કરો. બલ્બને એટલો દબાવો કે તમારી આંગળીઓને તમારી હથેળીનો સ્પર્શ થાય. બલ્બની અંદરની બધી હવા બહાર નીકળી જવી જોઈએ.
  2. સ્ટોપર ફરીથી બંધ કરતી વખતે બલ્બને દબાવી રાખો. ખાતરી કરો કે બલ્બ સંપૂર્ણપણે દબાયેલી સ્થિતિમાં જ રહે, જેથી સતત હળવું ખેંચાણ જળવાઈ રહે. ડ્રેન યોગ્ય રીતે કાર્ય કરે તે માટે સ્ટોપર સંપૂર્ણપણે બંધ હોવો જરૂરી છે.
  3. જો તમે સર્જિકલ બ્રા અથવા રૅપ પહેર્યા હો, તો ડ્રેનેજ બલ્બને ફરીથી તેની સાથે જોડો. નીચેના ભાગમાં રહેલા પ્લાસ્ટિક લૂપ અથવા વેલ્ક્રો® સ્ટ્રેપનો ઉપયોગ કરો. ડ્રેનને લટકતું ન રહેવા દો. તમારા ડ્રેનને ફૅની પૅક અથવા બેલ્ટ બૅગમાં રાખવું મદદરૂપ થઈ શકે છે.
  4. માપવાના વાસણમાં રહેલા ડ્રેનેજની માત્રા અને રંગ તપાસો. સર્જરી પછીના પહેલા થોડા દિવસોમાં, પ્રવાહીનો રંગ ઘેરો લાલ હોઈ શકે છે. આ સામાન્ય છે. જેમ જેમ રૂઝ આવતી જશે, તે ગુલાબી અથવા આછા પીળા રંગનું દેખાઈ શકે છે.
  5. તમારા જેક્સન-પ્રેટ ડ્રેનેજ લોગમાં ડ્રેનેજનું પ્રમાણ (mLમાં) અને તેનો રંગ લખી લો.
  6. ડ્રેનેજને શૌચાલયમાં ફ્લશ કરી દો અને માપવાના વાસણને પાણીથી ધોઈ લો.
  7. દરેક દિવસના અંતે, દિવસ દરમિયાન એકત્રિત થયેલા કુલ ડ્રેનેજના પ્રમાણનો સરવાળો કરો. ડ્રેનેજ લોગની છેલ્લી કૉલમમાં તેની માત્રા લખો. જો તમારી પાસે 1 કરતાં વધુ ડ્રેન હોય, તો દરેક ડ્રેનનું માપ અલગથી લો અને તેની નોંધ અલગથી કરો. તેમને એકસાથે ઉમેરીને નોંધશો નહીં.

તમારી ઇન્સર્શન સાઇટની કેવી રીતે સંભાળ રાખવી

ચેપના લક્ષણો ચકાસો.

ડ્રેનેજ ખાલી કર્યા પછી તમારા હાથ ફરીથી સાફ કરો. તમારી ઇન્સર્શન સાઇટની આસપાસ ચેપના લક્ષણો ચકાસો, જેમ કે:

  • સ્પર્શ કરવાથી દુખાવો થવો.
  • સોજો.
  • પરુ.
  • ગરમ લાગવું.
  • સામાન્ય કરતાં વધુ લાલાશ. કેટલીકવાર ડ્રેઇનના કારણે તમારી ઇન્સર્શન સાઇટ આસપાસ સિક્કા (ડાઇમ) જેવડી લાલાશ થઈ શકે છે. આ સામાન્ય છે.

જો તમને આમાંથી કોઈપણ લક્ષણ હોય અથવા 101° F (38.3° C) કે તેથી વધુ તાવ હોય, તો તરત જ તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક કરો. તેઓ તમને તમારી ઇન્સર્શન સાઇટ પર પટ્ટી (બેન્ડેજ) બાંધવાનું કહી શકે છે.

તમારી ઇન્સર્શન સાઇટને સ્વચ્છ રાખો.

તમારી ઇન્સર્શન સાઇટને સાબુ અને પાણીથી ધોઈને સ્વચ્છ રાખો અને પછી તેને હળવેથી થપથપાવીને સૂકવીને સૂકી રાખો.

જેકસન-પ્રેટ ડ્રેન સાથે થતી સામાન્ય સમસ્યાઓ

સમસ્યા

  • બલ્બ દબાયેલી સ્થિતિમાં નથી.

કારણ

  • બલ્બને પૂરતી મજબૂતીથી દબાવવામાં આવ્યો નથી.
  • સ્ટોપર સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યો નથી.
  • ટ્યુબિંગ તેની જગ્યાએથી ખસી ગયું છે અને તેમાંથી લીકેજ થઈ રહ્યું છે.

શું કરવું

  • આ સંસાધનના “તમારો જેક્સન-પ્રેટ ડ્રેન કેવી રીતે ખાલી કરવો” વિભાગમાં આપેલા પગલાંને અનુસરીને બલ્બને દબાવો.
  • ઉપરના પગલાં અનુસર્યા પછી પણ જો બલ્બ ફૂલેલી સ્થિતિમાં રહે, તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાનો સંપર્ક કરો. જો આ ઓફિસના કામકાજના સમય પછી થાય, તો બીજા દિવસે ફોન કરો.

સમસ્યા
નીચેની પરિસ્થિતિ છે:

  • ડ્રેનેજ થતું નથી.
  • ડ્રેનેજની માત્રામાં અચાનક ઘટાડો.
  • ટ્યુબની ઇન્સર્શન સાઇટની આસપાસ અથવા ટ્યુબ પર લગાવેલી પટ્ટી પર થતું ડ્રેનેજ (પ્રવાહી ઝરવું).

કારણ

  • કેટલીકવાર દોરા જેવા લોહીના ગંઠા ટ્યુબિંગની અંદર એકઠા થઈ જાય છે. આ ડ્રેનેજના પ્રવાહને અવરોધી શકે છે

શું કરવું

  • આ સંસાદનના “મિલ્ક યુઅર ટ્યુબિંગ” (ટ્યુબમાંથી પ્રવાહી આગળ ધકેલવું) વિભાગમાં આપેલા પગલાંનો ઉપયોગ કરીને તમારી ટ્યુબને મિલ્ક (નરમાશથી દબાવીને સાફ) કરો.
  • જો ડ્રેનેજના પ્રવાહમાં કોઈ વધારો ન થાય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો. જો આ ઓફિસના કામકાજના સમય પછી થાય, તો બીજા દિવસે ફોન કરો.

સમસ્યા

  • ટ્યુબિંગ તમારી ઇન્સર્શન સાઇટમાંથી બહાર નીકળી જાય.

કારણ

  • જો ટ્યુબિંગ ખેંચાય, તો આવું થઈ શકે છે. આવું ભાગ્યે જ થાય છે, કારણ કે ટ્યુબિંગને ટાંકા વડે તેની જગ્યાએ સુરક્ષિત રીતે રાખવામાં આવે છે.

શું કરવું

  • તે જગ્યા પર નવી પટ્ટી (બેન્ડેજ) બાંધો અને તમારા આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો.

સમસ્યા

  • તમારી ઇન્સર્શન સાઇટની આસપાસ સિક્કા (ડાઇમ) કરતાં વધુ મોટો લાલ ચઠ્ઠો, સોજો, ગરમી અથવા પરુ હોય.

કારણ

  • આ ચેપના લક્ષણો હોઈ શકે છે.

શું કરવું

  • તમારું શરીરનું તાપમાન માપો. તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને કોલ કરો અને તમારી ઇન્સર્શન સાઇટની આસપાસના ચેપના લક્ષણો વિશે જણાવો. જો તમને 101 °F (38.3 °C) અથવા તેથી વધુ તાવ હોય, તો તેમને જણાવો.

તમે પહેલીવાર ડ્રેનેજ ખાલી કરો ત્યારે તમે તે યોગ્ય રીતે કરી રહ્યા છો કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે તમારા નર્સ તમારું નિરીક્ષણ કરશે. એકવાર તમે તમારા જેક્સન-પ્રેટ ડ્રેનની સંભાળ રાખવા માટે સક્ષમ બની જશો, ત્યારથી તમે તેની સંભાળ જાતે જ રાખશો. તમે તેની સંભાળ જાતે લેવાનું શરૂ કર્યા પછી પણ, જરૂર પડે ત્યારે તમે હંમેશા મદદ માગી શકો છો. જો તમને તમારા જેક્સન-પ્રેટ ડ્રેનની સંભાળ રાખવામાં કોઈપણ મુશ્કેલી થાય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો.

તમારી ડ્રેન કાઢી નાખ્યા પછી તમારી ત્વચાની સંભાળ કેવી રીતે રાખવી

તમારા આરોગ્યસંભાળ પ્રદાતા તમારી ડ્રેન દૂર કરશે. તેઓ તમારી ઇન્સર્શન સાઇટ પર પાટો લગાવશે. તમારી ઇન્સર્શન સાઇટ અને તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ અને સૂકો રાખો. આ તમારી ત્વચાને ઝડપથી રુઝાવવામાં, ચેપ રોકવામાં અને રાહત મેળવવામાં મદદ કરશે.

જો તમારી પુનઃરચનાત્મક સર્જરી થઈ હોય, તો તમારો ડ્રેન દૂર કર્યા પછી તમારી ત્વચાની સંભાળ રાખવાની રીત અલગ હશે.

પુનઃરચનાત્મક સર્જરી વિના તમારી ત્વચાની સંભાળ

જો તમારી પુનઃરચના (રીકન્સ્ટ્રક્શન) વગર સર્જરી થઈ હોય, તો ડ્રેન દૂર કર્યા પછી નીચે આપેલી સૂચનાઓનું પાલન કરો:

  • 24 કલાક પછી પાટો દૂર કરો.
  • જ્યાં સુધી તમારી ચીરાની જગ્યા પૂરેપૂરી રુઝાઈ ન જાય અને તેમાંથી પાણી કે પ્રવાહી નીકળવાનું બંધ ન થાય, ત્યાં સુધી તેને પાણીથી દૂર રાખો. પાટો દૂર કર્યા પછી તમે સ્નાન કરી શકો છો, પરંતુ બાથટબમાં અથવા સ્વિમિંગ પૂલમાં પાણીમાં ડૂબીને ન રહો.
  • તે જગ્યાને સાબુથી હળવા હાથે ધોઈ લો. તે જગ્યાને ગરમ પાણીથી ધોઈ લો, પછી તેને હળવેથી થપથપાવીને સૂકવી લો.
  • જરૂર પડે તો અરીસાનો ઉપયોગ કરીને ઘા વાળી જગ્યા તપાસો. નીચેની બાબતો સામાન્ય છે:
    • થોડી લાલાશ.
    • હળવો સોજો.
    • સ્પર્શ કરવાથી દુખાવો થવો.
    • ગોઝ પેડ પર થોડા પ્રમાણમાં સ્વચ્છ અથવા સહેજ લોહી મિશ્રિત પ્રવાહી નીકળવું.
 

પુનઃરચનાત્મક સર્જરી પછી તમારી ત્વચાની સંભાળ

જો તમારી પુનઃરચનાત્મક સર્જરી થઈ હોય, તો ડ્રેન દૂર કર્યા પછી નીચે આપેલી સૂચનાઓનું પાલન કરો.

  • જરૂર મુજબ દર 12 કલાકે પાટો બદલો.
  • ડ્રેન દૂર કર્યા પછી કેટલા સમય બાદ સ્નાન કરી શકાય તે વિશે તમારા સર્જન તમને જણાવશે.
    • તમારી પુનઃરચનાત્મક (રિકન્સ્ટ્રક્ટિવ) સર્જરી પછી 4 થી 6 અઠવાડિયા સુધી ચીરાની જગ્યાને પાણીથી દૂર રાખો. બાથટબ કે સ્વિમિંગ પૂલમાં નાહશો નહીં અથવા ઘા વાળી જગ્યાને પાણીમાં ડૂબાડશો નહીં. વધુ માહિતી માટે How To Care for Your Jackson-Pratt Drain જુઓ.
  • આ જગ્યાને હળવેથી સાબુ વડે ધોઈ લો અને પછી ગરમ પાણીથી સાફ કરો. આ જગ્યાને હળવેથી થપથપાવીને સૂકવી લો.
  • જરૂર પડે તો અરીસાનો ઉપયોગ કરીને આ જગ્યાની તપાસ કરો. નીચેની બાબતો સામાન્ય છે:
    • થોડી લાલાશ.
    • હળવો સોજો.
    • સ્પર્શ કરવાથી દુખાવો થવો.
    • ગોઝ પેડ પર થોડા પ્રમાણમાં સ્વચ્છ અથવા સહેજ લોહી મિશ્રિત પ્રવાહી નીકળવું.
 

તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને ક્યારે કૉલ કરવો

તરત જ તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને કોલ કરો જો:

  • તમને ઘામાંથી ઘાટો લાલ રંગનો સ્ત્રાવ વહેતો જણાય.
  • તમને 101 °F (38.3 °C) અથવા તેનાથી વધુ તાવ આવે.
  • તમને તમારી ઇન્સર્શન સાઇટ પર લાલાશ, સ્પર્શ કરવાથી થતો દુખાવો, સોજો, દબાણ અથવા પરુ વધતા જણાય.
  • સર્જરી કરેલી જગ્યાની આસપાસની ત્વચા સ્પર્શ કરતાં ગરમ લાગે છે.
  • તમે લોહીના ગંઠા (બ્લડ ક્લોટ)ને બલ્બ તરફ ખસેડી શકતા નથી અને બલ્બમાં બિલકુલ અથવા ખૂબ ઓછું પ્રવાહી ભેગું થાય છે.

સોમવારથી શુક્રવાર સવારે 9 થી સાંજે 5 વાગ્યાની વચ્ચે તમારા આરોગ્યસંભાળ પ્રદાતાને સંપર્ક કરો જો:

  • જો ઘામાંથી નીકળતું પ્રવાહી અચાનક ઓછું થઈ જાય અથવા છેલ્લા 24 કલાકમાં 100mL કરતાં વધી જાય.
  • 24 કલાકના સમયગાળામાં નીકળતું પ્રવાહી 30 મિલિલીટર (mL) કે તેથી ઓછું હોય.
  • ટ્યુબ તમારી ઇન્સર્શન સાઇટમાંથી બહાર નીકળી જાય.
  • તમે બલ્બને દબાવી શકતા નથી.
  • તમને તમારા જેક્સન-પ્રેટ ડ્રેઇનની સંભાળ રાખવામાં કોઈ સમસ્યા આવતી હોય.
છેલ્લે અપડેટ કર્યા તારીખ
જુલાઈ 11, 2023

Learn about our Health Information Policy.

તમારા વિચારો અમને જણાવો.

તમારા વિચારો અમને જણાવો.

તમારો પ્રતિસાદ અમને અમે પ્રદાન કરતી શૈક્ષણિક માહિતીમાં સુધારો કરવામાં મદદ કરશે. તમારી સંભાળ ટીમ તમે આ પ્રતિસાદ ફોર્મમાં શું લખો છો તે જોઈ શકશે નહીં. કૃપા કરીને તમારી સારવાર વિશે પૂછવા માટે તેનો ઉપયોગ ન કરો. જો તમને તમારી સારવાર વિશે પ્રશ્નો હોય, તો તમારા આરોગ્યસંભાળ પ્રદાતાનો સંપર્ક કરો.

અમે તમામ પ્રતિસાદ વાંચીએ છીએ, પરંતુ અમે કોઈપણ પ્રશ્નોના જવાબ આપી શકતા નથી. કૃપા કરીને આ પ્રતિસાદ ફોર્મમાં તમારું નામ અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી લખશો નહીં.

શું આ માહિતી સમજવામાં સરળ હતી?
કૃપા કરીને તમારું નામ અથવા કોઈપણ વ્યક્તિગત માહિતી લખશો નહીં.